જેના વડે મનુષ્ય જીવે છે તે સંસ્કૃતિ નથી, પણ જેને માટે મનુષ્ય જીવે છે તેનું નામ સંસ્કૃતિ! – કનૈયાલાલ મુનશી ધન કરતાં જ્ઞાન એટલા માટે ઉત્તમ છે કે ધનની રક્ષા તમારે જ કરવી પડે છે. જ્યારે જ્ઞાન તો પોતે જ તમારી રક્ષા કરે છે. –સ્વામી રામતીર્થ માણસને અસ્વસ્થ કોણ કરે છે ? બહારની પરિસ્થિતિ ? ક્દાચ ખરેખર તો એના માટે કારણભૂત હોય છે : એના પૂર્વગ્રહો, એની માન્યતાઓ, અપેક્ષાઓ, આગ્રહો, તોફાની વૃત્તિઓ તથા એનો દંભ અને એવું એકાકીપણું. – કાંતિલાલ કાલાણી પુસ્તકનું મૂલ્ય રત્ન કરતાંય અધિક છે. રત્ન બહારની ચમક બતાવે છે. જ્યારે પુસ્તક અંત:કરણને ઉજ્જવળ કરે છે. – ગાંધીજી પગમાં દોરી ગૂંચવાઈ હોય ત્યારે કૂદાકૂદ કરવાને બદલે શાંતિથી ઊભા રહેવું જોઈએ. જીવનમાં પણ સમસ્યાઓ ઊભી થાય ત્યારે શાંતિ, સમતા અને શ્રદ્ધાના આસન પર બેસતાં આવડે તો જ જલ્દી ઉકેલ મળે. – રવીન્દ્રનાથ ટાગોર પ્રાર્થના જીવનનું એક જબરદસ્ત બળ છે. વિષમ પરિસ્થિતિમાં મૂકાયેલા, શોકમાં ડૂબેલા, હતાશ, પોતાને અસહાય અને અંધકારમાં ખોવાયેલા અનુભવતા મનુષ્યને, સાચા ઊંડા ભાવથી કરેલી પ્રાર્થના તેની સ્થિતિમાંથી ઊંચકી લઈ એક મહાન ચૈતન્ય સાથે તેનો સંબંધ જોડી આપે છે. – કુન્દનિકા કાપડિયા સજ્જ્નોનું લેવાનું પણ આપવા માટે જ હોય છે. જેમકે વાદળોનું, એ ધરતીની નદીઓથી પાણી લે છે અને પછી એને જ પાછું આપી દે છે. – કાલિદાસ જીવ એ શિવ છે નો અર્થ એ કે જીવિત વ્યક્તિ જ ઈશ્વર છે. જે ઈશ્વરને પ્રેમ કરે છે તેણે દુ:ખમાં, પીડામાં, ક્ષતિઓમાં, અતિરેકોમાં અને માનવસ્વભાવનાં ભયંકર રૂપોમાં પણ ઈશ્વરના દર્શન કરી તેની સાથે તાદાત્મ્ય સાધવું જોઈએ. –સ્વામી વિવેકાનંદ માણસને જીવનનો અનુભવ શીખવનાર વિપત્તિ સિવાય કોઈ વિદ્યાલય આજ સુધી નથી ઉઘડ્યું. જેણે આ વિદ્યાલયની પદવી મેળવી તેના હાથમાં નિશ્ચિત્તપણે જીવનની લગામ સોંપી શકાય. – અજ્ઞાત બરફનો ભૂતકાળ પાણી હોય છે અને બરફનું ભવિષ્ય પણ પાણી જ હોય છે. – અનિલ જોશી કોઈ માણસ એમ કહે કે એણે કદી ભૂલ કરી નથી, તો ચોક્કસ માનજો કે એણે જાતે કદી કોઈ કામ કર્યું નથી. – થોમસ હકસલી અસત્યના શરીર પર જ્યારે દંભના વસ્ત્રો ચડે છે ત્યારે એ અસત્યને ઓળખવામાં ભલભલા મહારથીઓ પણ થાપ ખાઈ જાય છે. –રત્નસુંદરવિજયજી ચિંતા જ્યારે વધી જાય છે ત્યારે તેની શાખા-પ્રશાખા એટલી બધી ફૂટી નીકળે છે કે મગજ તેની સાથે દોડતાં દોડતાં થાકી જાય છે. – જયશંકર પ્રસાદ સેવા હૃદય અને આત્માને પવિત્ર કરે છે. સેવાથી જ્ઞાન પ્રાપ્ત થાય છે. સેવા જ જીવનનું પરમ લક્ષ્ય છે. – સ્વામી શિવાનંદ મોટા માણસ ભૂલ ન કરે એવું માનવુંએ મૂર્ખાઈ છે ને નાના માણસમાં અક્ક્લ નથી હોતી, એમ માનવું એ પણ મૂર્ખાઈ છે. – જેનામાં રમૂજવૃત્તિ નથી એણે હંમેશાં બીજાની દયા પર જ જીવવું પડે છે. –વિલિયમ રોસ્ટર બીજા શું કરે છે તે સામું ન જોવું. પણ મારી શી ફરજ છે, તે વિચારનાર અને જીવનમાં ઉતારનાર મહાન બને છે. – આપણું કર્તવ્ય છે કે આનંદિત રહેવું. જો આપણે પ્રસન્ન રહીશું તો અજ્ઞાતરૂપે પણ સંસારની સારી રીતે ભલાઈ કરી શકીશું. – જીવનમાં સુખ અને લોહીનાં સગપણ કરતાં વેદનાનું સગપણ વધુ ટકે છે. – ખલિલ જિબ્રાન કોઈ કામને કરતાં પહેલાં એની બાબતમાં વધુ પડતું વિચારતા રહેવાના કારણે એ કામ બગડી જાય છે. – ઈવા યંગ અધૂરું કામ અને હારેલો દુશ્મન, આ બન્ને બુઝાયા વગરની આગની ચિનગારીઓ જેવાં છે. મોકો મળતાં જ એ આગળ વધશે અને એ બેદરકાર માણસને દબાવી દેશે. – તિરૂવલ્લુવર ઈશ્વરે તમને જેવા બનાવ્યા હોય એ કરતાં સહેજ પણ ઊતરતા ન બનવું એમાં જ તમારું ગૌરવ છે. – પેરીકિલસ જો આપણે પ્રસન્ન હોઈએ તો આખી પ્રકૃતિ આપણી સાથે હસતી હોય તેવું લાગે છે. – સ્વેટ માર્ડન અહિંસા એટલે કાર્યોની અહિંસા, જીવદયા એટલે હૃદયની અહિંસા અને એકાંત એટલે વિચારોની અહિંસા તથા અપરિગ્રહ એ વ્યવહારની અહિંસા. – મહાવીર સ્વામી સફળતા કદી કાયમી હોતી નથી, તે જ રીતે નિષ્ફળતા પણ કાયમ માટે રહેતી નથી. – કોલિન્સ મનનો સ્વભાવ ચંચળ છે. જ્યારે કોઈ અઘટિત ઘટના બને છે ત્યારે મન ભય અને પ્રસન્નતાની વચ્ચે ડામાડોળ બનીને ફરતું રહે છે. – સ્વામી રામતીર્થ વિજ્ઞાનની શોધ વડે માણસ પક્ષીની માફક આભમાં ઊડી શકે છે, માછલીની જેમ ઊંડા પાણીમાં જઈ શકે છે, પણ માનવી તરીકે પૃથ્વી પર કેમ જીવવું એ જ તેને આવડતું નથી. – બર્ટ્રાન્ડ રસેલ માનવી જેવા વિચારોનું સેવન કરતો હોય છે તેવા વિચારોનાં આંદોલનો, મોજાં સ્વાભાવિક રીતે જ એની આજુબાજુના વાતાવરણમાં પ્રસરતાં હોય છે. – શ્રી મોટા જો સફળતા મેળવવાની કોઈ પણ ચાવી હોય તો તે બીજા માણસનું દષ્ટિબિંદુ જાણી લઈને તેના અને તમારા દષ્ટિબિંદુથી આખી પરિસ્થિતિનો વિચાર કરવાની યોગ્યતા છે. – હેનરી ફોર્ડ મને તમે ઉગારો એવી મારી પ્રાર્થના નથી, પણ હું તરી શકું એટલું બળ મને આપજો. – રવિન્દ્રનાથ ટાગોર વૃક્ષો ફળો આવવાથી નીચા નમે છે. નવું જળ ભરાવાથી વાદળ ભારથી ઝૂકી જાય છે. સમૃદ્ધિ વધવાથી સત્પુરુષો વિનમ્ર બને છે. પરોપકારી પુરુષોનો આ સ્વભાવ હોય છે. – શ્રી ભર્તૃહરિ કોની ઈચ્છાથી આ મન ભાગમભાગ કરે છે ? કોની નિયુક્તિથી આ પ્રાણ ચાલે છે ? કોની પ્રેરણાથી આ વાણી બોલાય છે ? અને કોની ઈચ્છાથી આંખ અને કાન કાર્ય કરે છે ? – કેનોપનિષદ એક નાનકડી કીડી પાસે જાવ દિવસભરની તેની મહેનત જુઓ. તેની મહેનતમાંથી કાંઈક શીખો અને આળસને ખંખેરી નાંખો. –કોલિયર આવતીકાલના ભવિષ્ય વિશે પોતે જ્ઞાત છીએ તેવું કદી ન માનવું, કારણકે મહાજ્ઞાની પંડિતને પણ ખબર નથી કે કાલે શું બનવાનું છે. – બાઈબલ એક વાત દરેકે યાદ રાખવી જોઈએ કે અસફળતા પોતાના આંચલમાં સફળતાનાં ફૂલ લઈને જ આવે છે. – અજ્ઞાત જેને પોતાના ગૌરવનું ભાન છે તે કોઈ ચીજ મફત મેળવવાને બદલે પોતાની મહેનતથી મેળવવાની ખેવના રાખે છે. – સ્વામી રામતીર્થ સારા માણસની મૈત્રી ઉત્તમ ગ્રંથની સુંદરતા જેવી છે. જેમ તેનો ઊંડો અભ્યાસ કરીએ, તેમ તેમાંથી વધુ ને વધુ આનંદ આપે છે. – કોન્ફ્યુશિયસ કોઈ પણ પરિસ્થિતિમાં ગમે ત્યાં હો પરંતુ મનમાં કમજોરી આવવા ન દો. જ્યાં રહો ત્યાં મસ્ત રહો. – બ્રહ્માનંદ સરસ્વતી જે ક્ષણે તમે ઈશ્વર સિવાય કોઈનો ભરોસો નથી રાખતા તે જ ક્ષણેથી તમે શક્તિમાન બની જાઓ છો. તમારી બધી નિરાશા ગાયબ થઈ જાય છે. – ગાંધીજી તમારા મોંમા શું જાય છે તે મહત્વનું નથી પણ તમારા મોમાંથી શું નીકળે છે તે મહત્વનું છે. – જે. કૃષ્ણમૂર્તિ જીવન ઉપર તને પ્રેમ છે ? એમ હોય તો સમય ગુમાવતો નહિ, કારણકે જીવન સમયનું જ બનેલું છે. – ફ્રેન્કલિન પરમ સત્યનું અસ્તિત્વ હૃદયમાં છે. જે વિચાર હૃદયથી રહિત છે તેને જાણવા માટે હૃદયમાં જ તદ્રુપ થઈ જવું જોઈએ. – રમણ મહર્ષિ ઊડવા કરતાંય આપણે જ્યારે ઝૂકી જઈએ છીએ ત્યારે આપણે વિવેકની વધુ નિકટ હોઈએ છીએ. – વર્ડઝવર્થ પથ્થર ભલે છેલ્લા ઘા થી તૂટે છે, પણ એની પહેલા ના ઘા તો નકામા નથી જ જતા. – વિનોબા ભાવે જગતના દરેક જીવને ખુશી વહાલી છે. જે પોતાની ખુશી માટે બીજા જીવને મારે છે એ ક્યારેય ખુશ નથી રહી શકતો. –ગૌતમ બુદ્ધ ભારતની દરેક ચીજ મને આકર્ષિત કરે છે. ભારતમાં એ બધું જ છે જે માનવીને પોતાની ઉચ્ચતમ આકાંક્ષાઓની પ્રાપ્તિ માટે અપેક્ષિત હોય. – મહાત્મા ગાંધી 'લખવું' એ શબ્દો હાથવગા હોવાને કારણે સૌથી સહેલી વાત છે. 'સર્જન' કરવું એ સૌથી અઘરું કામ છે. લખાણ અને સર્જન વચ્ચેનો ભેદ સમજવાની સજ્જતા આવી જાય તેને માટે ભવિષ્યનો માર્ગ ઠીક ઠીક સરળ થઈ જાય છે. – રમેશ પારેખ તમે છીછરા પાણીથી કામ ચલાવી શકો એમ હો તો તમારે મજબૂત નાવ બાંધવાની જરૂર નથી. – ક્રિસ્ટોફર ફ્રાય જે પરિશ્રમમાંથી આપણને આનંદ થાય છે, એ આપણા વ્યાધિ માટે રામબાણ દવા છે. – શેક્સપિયર એક વાત જે હું દિવસની જેમ સાફ જોઉં છું, કે દુ:ખનું કારણ અજ્ઞાન છે. બીજું કશું નથી. – સ્વામી વિવેકાનંદ સત્યનો એનાથી મોટો દાખલો શું હોઈ શકે છે કે જૂઠ બોલવા માટે પણ સત્ય જેવું વાતાવરણ ઊભું કરવું પડે છે. – પં. રામકિકર ઉપાધ્યાય ઈનામ કે ધનદોલત તમને સામે ચાલી મળી આવશે પણ જ્ઞાન તો મહેનતથી મેળવવું પડશે. – યંગ નમ્રતા એ સહુથી શ્રેષ્ઠ ગુણ છે. નમ્રતા બધું જ કરી શકે. એની અસર તાત્કાલિક બીજાઓ પર પડે છે. – રોબર્ટ કટલર ફકત એ જ આળસુ નથી જે કંઈ જ નથી કરતો, આળસુ તો એ પણ છે જે વધુ સારું કામ કરી શકે છે, પણ કરતો નથી. – પરસ્પરનો સહયોગ અને શાંતિથી જ સમાજનું નિર્માણ થઈ શકે. – ડૉ. રાધાકૃષ્ણન તર્કનું સત્ય નહિ પણ આત્માના મનોમંથનમાંથી જન્મેલું સત્ય જ પૂર્ણ સત્ય છે. – અરવિંદ ઘોષ પ્રેમ જો તમારા સમગ્ર અસ્તિત્વનો પાયો બની જાય તો પછી કોઈ દુ:ખ તમને હેરાન નહિ કરી શકે. – જે. કૃષ્ણમૂર્તિ ચંદ્ર અને ચંદન કરતાં પણ સજ્જનોની સંગતિ વિશેષ શીતળ હોય છે. – કવિ કાલિદાસ જે લોકો બીજાની ભલાઈ કરવી પસંદ કરે છે તેના ભલા માટે જગતની સર્વ વસ્તુઓ કામ કરે છે. –જલારામબાપા કેટલાક માણસો મૌન રહે છે તેનું કારણ એમને કહેવાનું નથી તે નહિ, પરંતુ ઘણું કહેવાનું હોય છે તે છે. – બેકન. |
Saturday, 16 June 2007
જીવનપ્રેરક સુવિચારો
Friday, 15 June 2007
નજરેં બદલ ગઈ… – શાહબુદ્દીન રાઠોડ
જનરલને આશ્ચર્ય થયું. પ્રત્યેક વર્તુળના સેન્ટરમાં ગોળીનું નિશાન હતું. કોઈ નિષ્ણાત નિશાનબાજે નિશાનો લીધાં હોય તેવું જણાતું હતું. ગામ નાનું હતું. જનરલે જીપ ઊભી રખાવી. સાથેના જવાનને આ નિશાનબાજની તપાસ કરવા જણાવ્યું.
થોડી વારમાં જવાન એક યુવાનને લઈ આવ્યો. તેની પાસે બંદૂક હતી.
જનરલે પૂછ્યું : 'આ બધાં નિશાન તમે લીધા છે ?' આવનાર ગ્રામીણ યુવાને હા કહી.
જનરલે કહ્યું, 'તમે સારા નિશાનબાજ છો. તમારી નિશાનબાજી જોઈ મને આનંદ થયો. આર્મી કે પોલીસમાં સર્વિસ કરો છો ?'
યુવાને કહ્યું, 'ના સાહેબ. હુ તો ખેતી કરું છું. આ બધાં નિશાન મેં લીધાં છે, પરંતુ આપ ધારો છો એવું અઘરું આ કામ નથી. હું પ્રથમ તો ગોળીબાર કરી પછી ફરતું ચક્કર દોરી નાખું છું.'
જનરલે કહ્યું : 'હવેથી પ્રથમ ચક્કર દોરી પછી ગોળીબાર કરજો.' માનવી પહેલું કાર્ય કરી લે છે અને પછી તેને વાજબી ઠેરવતું ફરતું વર્તુળ દોરે છે.
ઐસી બાની બોલ, કોઈ કહે ના જૂઠ,
ઐસી જગહ બૈઠ કોઈ કહે ના ઉઠ.
આમ કબીરસાહેબે કહ્યું છે.
આમ તો વાજબી ઠેરવવા પ્રયાસ કરવો પડે એવું કામ જ ન કરીએ તો ? મારું પણ આમ જ થાય છે. અમદાવાદ સ્વામિનારાયણ ગુરુકુળ, મેમનગરમાં હું ઊતરું છું. આ મારો કાયમી ઉતારો છે. સંતોનું સાન્નિધ્ય, વિદ્યાર્થી મિત્રોનો સહવાસ, મંદિરનું વાતાવરણ અને સત્સંગીઓનાં સંગ એ મને ગમે છે.
વિદ્યાર્થીમિત્રો મને સાચવે છે, સંતો મને પ્રેમથી જમાડે છે. બપોરના જ મને લાડુ, દાળભાત, શાકનું ઉમદા ભોજન કરાવ્યું. લાડુ મને ગમે છે અને એમાંય પાછો સંતોનો આગ્રહ હું મોઢાનો મોળો હોવાથી ના નથી પાડી શક્તો. જમ્યા પછી એમ થાય છે કે થોડું ઓછું જમ્યો હોત તો સારું હતું. પરંતુ માનવીની બધી ઈચ્છાઓ ક્યાં પૂરી થાય છે ? મારા રૂમ પર પહોંચી હું બપોરના આરામ કરું છું અને વિચારું છું : 'થોડું વધુ ખાધું તેમાં શું થઈ ગયું ? સવારમાં ફરવા નીકળી જઈશ. ત્રણ કિલોમીટર ચાલી નાખીશ. કૅલરી ખર્ચાઈ જશે. ફૅટ જમા થવાનો પ્રશ્ન જ નહીં રહે. ચાલવાના વ્યાયામથી શારીરિક શક્તિ પણ વધશે.' હું આ વિચારથી ખુશ થઈ ગયો. રાત્રે કાર્યક્રમ આપી મોડો સૂતો, સવારે આરતીના મધુર ઘંટારવથી જાગી ગયો. તરત વિચાર આવ્યો, સવારે ફરવા જવાનું છે. મેં ઊઠવા પ્રયત્ન કર્યો, પણ ઊઠી શક્યો નહીં. સંજોગો બદલાઈ ગયા અને સાથે વિચારો પણ બદલાઈ ગયા.
નજરેં બદલ ગઈ, નજારા બદલ ગયા,
કશ્તી બદલ ગઈ, કિનારા બદલ ગયા.
મને થયું, ચાલીને પ્રથમ શક્તિને વેડફી નાખવી હોય તો જે છે તેને જ સાચવવી શું ખોટી ? બપોરના વધુ જમવાની ભૂલ થઈ એટલું જ ને ? સાંજે ઉપવાસ ક્યાં નથી થતો ? અરે, ઉપવાસની ક્યાં જરૂર છે ? થોડાં દાળભાત ખાઈને ટંક ટાળી દેવામાં શું વાંધો ?
પ્રજ્ઞા જ માનવીને જીવનનો સાચો રાહ બતાવે છે. બાકી બુદ્ધિ તો જે કરે તેને વાજબી ઠેરવવાનું કામ જ કરે છે. પ્રજ્ઞા એટલે સદ્દબુદ્ધિ. મને થયું, જો મેં બપોરના નક્કી કર્યું હોય તો સવારે જવું જ જોઈએ. મેં મારા મિત્ર મથુરને ઉઠાડ્યો. મથુર ઊઠ્યો નહીં એટલે મેં તેની ચાદર ખેંચી. મથુરના ચહેરા પર હાસ્ય જોઈ મને નવાઈ લાગી. મેં પૂછ્યું, 'એલા, શું સપનું જોતો હતો ?'
મથુર કહે : 'તારી ભાભી ગોદડું ખેંચતી હોય એવું સપનું આવ્યું હતું. પણ સપનામાં આંખ ખૂલી ગઈ ને જોયું તો ભેંસ ગોદડું ચાવતી હતી. ત્યાં તેં ઉઠાડ્યો.'
મેં કહ્યું : 'હાલ ફરવા.'
મથુર કહે : 'ના, મારે નથી ફરવું. તું જઈ આવ.' આમ કહી એ ગોદડું ઓઢી સૂઈ ગયો.
હું ફરવા નીકળી પડ્યો, ડ્રાઈવઈન રોડ પર દુરદર્શન તરફ સરખેજના મારગે. 'ઘણાં કાર્યો શરૂઆતમાં કઠિન લાગે છે, પરંતુ અંતમાં આનંદ આપે છે.' દા.ત. વ્યાયામ. 'ઘણાં કાર્યો શરૂઆતમાં આનંદ આપે છે અને અંતમાં દુ:ખદાયક બને છે.' દા.ત. વ્યસનો. માનવી પોતાનું મૂલ્ય પોતે શું કરે છે તેના પરથી નક્કી કરે છે, જ્યારે સમાજ તેણે શું કર્યું છે તેના પરથી તેની ચકાસણી કરે છે.'
You can make your living by what you earn,
But you can make your life by what you give.
'જે કમાતા હો તેનાથી જીવતર જીવી શકાય, પણ જિંદગી તો જે આપી શકાય તેનાથી બને છે.'
આખરે તો જે કાંઈ આપ્યું હોય એ જ છેલ્લે પાસે રહે છે. બાકી જિંદગીમાં કરેલાં બૂરાં કાર્યો તો પાછલી જિંદગીમાં સંતાપ આપે છે. 'જ્યારે હું ડૂબતો હતો, પાપ મારાં તરતાં દીઠાં.' 'ઉમદા, સારા વિચારો માનવી જ્યારે ચાલતો હોય છે ત્યારે તેના મનમાં ઉદ્દભવે છે.' આ પ્રકારનું લખાણ ફ્રેડરિક નીત્શી લખ્યું છે.
ભગવાન બુદ્ધ શિષ્યોને કહેતા, 'ચાલો ભિખુ, ચાલો.'
હું ચાલતો જતો હતો અને આવા વિચારો મનમાં આવ્યે જતા હતા. દુ:ખી માણસો ચિંતામાં ક્યારે ઊભા થઈ ચાલવા માંડે છે તેની તેમને ખબર રહેતી નથી. દુ:ખી દીકરીયુંના બેડાં ઊજળાં હોય છે, કારણકે દુ:ખમાં ને દુ:ખમાં રાખ નાખી ઘસ્યા જ કરે છે, કેટલી વાર બેડું ઊટક્યું તેમની તેને ખબર નથી રહેતી.
હું મારા વિચારમાં ચાલ્યો જતો હતો, ત્યાં પાછળથી એક કાકા મને ભટકાણા. હું પડતાં પડતાં રહી ગયો. મેં તેમની સામે જોયું એટલે તેમણે કહ્યું, 'ભલા માણસ, ધ્યાન રાખતા હો તો ?' મેં તેમનું પગથી માથા સુધી નિરીક્ષણ કર્યું. તેમના ઢોલિયાના પાયા જેવા પગ, હાથીની સૂંઢ જેવા હાથ, ટૂંકું કપાળ, રાજકારણીઓને ઓથે ગુંડા વકરી જાય એમ ઉત્તમ ભોજનને ઓથે વકરી ગયેલું પેટ અને ખૂંટિયા જેવી મારકણી આંખો જોઈ. મેં નિર્ણય કરી લીધો, 'સંઘર્ષ શક્ય નથી.'
પાછળ કાકીએ મને કહ્યું, 'ભાઈ, તમારા કાકાનું ખોટું ના લગાડશો. આગળ બે જણા તો ઈ ભટકાણા તે પડી ગયા. તમે વળી બચી ગયા.' મેં કાકા સાંભળે નહિ તેમ ધીરેથી કહ્યું : 'અજ્ઞાનીના ઓરતા ન હોય.'
હું વિચારતો હતો અને નિરીક્ષણ કરતો જતો હતો. સવારમાં ટ્રેકસૂટમાં સજ્જ થઈ જૉગિંગ કરતાં યુવકયુવતીઓના પરિશ્રમને લીધે ગુલાબી બનેલા ચહેરા પર પ્રસ્વેદનાં બિંદુઓ ગુલાબનાં ફૂલો પર ઝાકળબિંદુઓ જેવાં શોભી રહ્યાં હતાં. જ્યારે ભૂખરા વાળ, આંખો ફરતાં કૂંડાળાં, ચહેરા પરની કરચલીઓ અને દુર્બળ દેહવાળા આઘેડો-વૃદ્ધો વિષાદમાં ચાલતાં-ચાલતાં વિચારતાં હતાં :
મદમસ્ત યુવાનીની શિક્ષા
ઘણપણને મળે એ ન્યાય નથી
તોફાન થયું છે મધદરિયે,
સપડાય કિનારો શા માટે ?
ખાલી રસ્તા પર દોડતાં, કૂદતાં, નાચતાં બાળકો સૌથી વધુ ચેતનથી ધબકતાં લાગતાં. તેમના ચહેરા પર હાસ્ય હતું અને આંખોમાં હતી શરારત.
જેટલું આગળ ચલાય એટલું જ પાછળ ફરવાનું છે એ મને ખ્યાલ ન રહ્યો, એમાં વળી એક ભિક્ષુકે મને સલામ કરી આજીજી કરી, 'સાહેબ, એક અડધી ચા પાવ.' હું ઊભો રહી ગયો. મેં બાજુની લારીવાળાને ચા આપવાનું કહ્યું. તેણે બે અર્ધી ચા ભરી મને અને ભિક્ષુકને આપી. જોકે મારે તો ચા ગુરુકુળમાં પીવાની હતી, પણ લારીવાળાએ ભરી એટલે મેં કપ હાથમાં લીધો. બાજુની લારીમાં ગરમ ગાંઠિયા ઊતરતા હતા. ગાંઠિયા જોઈ દાઢ ડળકી. મેં ભિક્ષુકને કહ્યું : 'ચા સાથે નાસ્તો કરશો ?'
એ અહોભાવથી મારી સામે જોઈ રહ્યો. કદાચ એમ વિચારતો હશે કે દુનિયામાંથી માનવતા મરી નથી પરવારી, દિલના દિલાવર દાતાઓ પડ્યા છે. તે લાગણીવશ થઈ માંડ હા પાડી શક્યો. મેં સો ગ્રામ ગાંઢિયા પચાસ-પચાસ ગ્રામ જુદા જુદા કાગળમાં, આ પ્રકારે ઑર્ડર – નોંધ કરાવી. ત્યાર પછી મેં અને ભિક્ષુકે ગાંઠિયા ખાધા, ચા પીધી. હવે મારી સાચી મુશ્કેલી શરૂ થઈ, હું લેંઘા પર ઝભ્ભો પહેરી રવાના થઈ ગયો હતો. પૈસાનું પાકીટ રાત્રે કાર્યક્રમમાં પહેરેલા શર્ટના ખિસ્સામાં હતું. મેં ખિસ્સાં ફંફોર્યાં, પણ પૈસા હોય તો નીકળે ને ? હું મૂંઝાઈ ગયો. કોઈ ઓળખીતું નીકળે એ આશાએ નજર ફેરવી, પણ બધું વ્યર્થ. હવે શું કરવું ?
હું વિચારમાં હતો. ત્યાં ભિક્ષુકે કહ્યું, 'મૂંઝાવ મા. હું પૈસા ચૂકવી દઉં છું.' ભિક્ષુકની સમજદારી માટે મને માન થયું. તેણે ચા અને ગાંઠિયાન પૈસા ચૂકવી આપ્યા. મેં છુટકારાનો શ્વાસ લીધો.
મેં તેને કહ્યું, 'ભાઈ, તેં મારી લાજ રાખી. હવે ચાલ મારી સાથે ગુરુકુળમાં. હું આ પૈસા અને ઉપરથી પાંચ રૂપિયા આપીશ.'
ભિક્ષુક કહે, 'સાહેબ, ગાંઠિયા અને ચામાં પાડ્યો, હવે રિક્ષામાં રહેવા દ્યો.'
મેં કહ્યું, 'ભલા માણસ, મારી ભૂલનો તમે ભોગ બનો એ હું સહન નહિ કરી શકું. હું કલાકાર છું.'
ભિક્ષુક કહે, 'કલાકાર હશો. કલાકાર વગર કોઈ ભિખારી પાસેથી પૈસા કઢાવી શકે ?'
મેં તેને ઘણી વિનંતી કરી, પરંતુ તે ન માન્યો અને ચાલતો થયો. હું એ દાતા ભિક્ષુકને દૂર ને દૂર જતો જોઈ રહ્યો. મને વિચાર આવ્યો, 'જીવનમાં ધ્યાન રાખવાનું હોય છે કે ધરવાનું હોય છે ?'
Wednesday, 13 June 2007
ચાણક્યના નીતિસૂત્રો – સંકલિત
[2] કૂતરું હંમેશા પોતાની પૂંછડી વાંકી જ રાખે છે, સાપ હમેશાં વાંકોચૂકો જ ચાલશે, ગધેડું હમેશાં લાતો જ મારશે, મંકોડાને દૂર ફેંકો તો પણ ત્યાં જ આવશે, માખીને કેટલીય કેમ ના ઉડાડો, ફરીથી ત્યાં જ આવીને બેસશે. આથી તમે એ વાત તરત સમજી જશો કે જેને જે આદત પડી ગઈ તે તે જ કામ કરશે. મનુષ્ય કેવળ પોતાની ટેવોનો ગુલામ હોય છે.
[3] સુંદર છોકરી, રૂપવતી વિધવા, ઘરડો વિધૂર, સાંઢ, ઢોંગી, સંન્યાસી, તાંત્રિક તેમજ ગધેડું – આ બધાથી બચીને ચાલવું જોઈએ. બુદ્ધિમાન આમનાથી પચાસ કદમ દૂર ભાગે છે.
[4] બધી આંગળીઓ સરખી હોતી નથી. એટલા માટે બધા લોકો સરખા સ્વભાવના હોતા નથી, જ્યારે આપણે જુદા જુદા વિભાગોમાં, કામોમાં વહેંચાઈ જ ગયા છીએ, ત્યારે આપણાં કામ પણ જુદાં જુદાં જ હોય ને ? આપણે એકબીજાની ઈર્ષા કેમ કરવી જોઈએ ? તેમજ એકબીજાનો દ્વેષ પણ કેવી રીતે કરી શકીએ ? ઈર્ષાળુ અને દ્વેષીલા ન બનો. તમે સુખી થશો, સંતુષ્ટ થશો, આનંદ પ્રાપ્ત કરશો. દુનિયામાં આવી બધી વાતો જ શીખો ને !
[5] વેશ્યાને સવારમાં, જુગારીને બપોરે, પાપીને મંદિરમાં, શબને ચિતા પર અને બાળકને ખોળામાં જોઈને કોઈને કોઈ પાપ લાગતું નથી. આ બધાં જ શુભ ગણાય છે. એમને આ રૂપે જોવાથી જ્ઞાન વધે છે અને સચ્ચાઈની ખબર પડે છે. આના પર વિચાર કરીને જો જો ને !
[6] પુત્ર સાથે પાંચ વર્ષ સુધી પ્યાર કરો, દસ વર્ષની ઉંમર સુધી તેને ધાકમાં રાખો, સોળ વર્ષની ઉંમર થાય ત્યારે તેને પોતાનો મિત્ર માનો. મિત્રતાનો વ્યવહાર કરવાથી તમે એકમાંથી અગિયાર બની જશો. તે જ સંતાન તમારી સાથે ખભેખભો મેળવીને ચાલવા લાગશે.
[7] સુખી અને શાંતિપૂર્ણ ઘર તે જ છે – જે ઘરમાં સંતાન બુદ્ધિમાન તેમજ ભણેલા-ગણેલાં છે, પત્ની શાંતિપૂર્ણ અને સંપૂર્ણ રીતે સાચી ગૃહિણી હોય, જે ઘરનાં બધાં કામ પોતાના હાથેથી જાતે કરે, જે ઘરમાં મહેમાનોનો આદર સત્કાર થતો હોય, જે ઘરમાં ભગવાનનું પૂજન થતું હોય, જે ઘરમાં હર સમય પીવાને સ્વચ્છ પાણી અને ખાવા માટે તાજું ગરમ ગરમ ખાવાનું મળતું હોય, જ્યાં બુદ્ધિમાનો તેમજ ગુણવાનો સાથેનો સત્સંગ થતો હોય. – આવું ઘર સૌથી સારું અને સ્વર્ગના અંશવાળુ હોય છે. આવા ઘરમાં રહેનાર લોકો સદા સુખી રહે છે.
[8] ઊંઘમાં નસકોરાં બોલતા હોય તેવી સ્ત્રી, નગ્ન સૂઈ જનારો પુરુષ – આ બંને અલ્પાયુ બને છે. દિવસે સંભોગ, રાત્રે જુગાર – આ બંને કાર્યો જીવનના દિવસો ટૂંકા કરે છે. એક વાત હમેશાં ધ્યાનમાં રાખો કે દરેક કામનો એક સમય હોય છે. સમયના ટાંકણે જ કામ કરનારા મહાન બને છે.
[9] પોતાનાથી મોટાંઓની સામે કદી જૂઠું બોલવું જોઈએ નહીં. તેમની સાથે કદી દગો પણ ન કરાય. રાજાની સામે અસત્ય બોલવાથી મૃત્યુદંડ પણ મળી શકે છે. દુશ્મન સાથે દગો કરવાથી ધનનો નાશ થાય છે. બ્રાહ્મણ સાથે દગો કરવાથી કુળનો નાશ થાય છે. એટલા માટે કદી કોઈની સાથે દગો ન કરો. કોઈને અસત્ય બોલીને ફસાવવાનો પ્રયત્ન ન કરો. ભલે ને તમને અસત્ય બોલીને તેમને વિજય અને ધન મળી જાય, પરંતુ મનની શાંતિ કદી નહીં મળી શકે. અસત્ય અને દગો લાંબો સમય ટકી શકતાં નથી.
[10] તે આદમીનું જરૂર મૃત્યુ થશે, તે સંકટમાં પણ અવશ્ય પડશે જેની પત્ની ચરિત્રહીન હશે. માટે ચરિત્રહીન પત્ની, શેતાન મિત્ર, વાતવાતમાં સામો જવાબ આપનાર નોકર, ઘરમાં રહેતો સાપ –આ ચારેય સરખાં છે. ગમે ત્યારે કનડે જ કનડે.
[11] જે માતા-પિતા પોતાના સંતાનોને સારી કેળવણી નથી આપતાં-અપાવતાં, આવાં માતાપિતા જાતે જ એમનાં સંતાનોનાં દુશ્મન બને છે. આવાં સંતાનો જ્યારે સંસારનો ભાર ઉઠાવતાં થાય છે ત્યારે તેમને પોતાની ક્ષુદ્રતાનો અનુભવ થાય છે. આવાં લોકો જ્યારે કોઈ સારી અને પ્રગતિશીલ સભામાં જાય છે ત્યારે તેમને લાગે છે કે હંસોની સભામાં આપણે બગલા જેવા છીએ !
[12] મનુષ્યે હમેશાં આ વિચાર્યા કરવું જોઈએ કે – મારો સમય કેવો છે ? મારો મિત્ર કોણ છે ? મારો દેશ કયો છે ? હું કેવો છું ? મારું હિત શેમાં અને અહિત શેમાં છે ? મારામાં કેટલી બુદ્ધિ, કેટલી શક્તિ છે ? – આવો પ્રશ્ન વારંવાર એણે પોતાની જાતને પૂછ્યા કરવો જોઈએ.
[13] ફૂલમાં સુગંધ, તલમાં તેલ, લાકડામાં અગ્નિ, દૂધમાં ઘી, શેરડીમાં ગોળ – આ રીતે મનુષ્યના મનમાં સુવિચારો સમાયેલા હોય છે. સારા માણસની પરીક્ષા એની બોલીથી, એના વિચારોથી અને એના વર્તનથી થાય છે.
[14] આવા લોકોથી સદાય દૂર રહો – જેણે અન્યાયથી ધન ભેગું કર્યું હોય, અભિમાનથી જેનું મસ્તક ભરેલું જ હોય, જેણે કદી દાન કર્યું નથી, જેને કાનોમાં વેદમંત્રો કે ધર્મમંત્રો પડ્યા નથી, જેનાં નેત્રોએ સત્પુરુષોનાં દર્શન કર્યા નથી. આવા મનુષ્યોને મળવાથી કોઈ લાભ તો નથી જ બલ્કે મનની શાંતિ ઓછી થઈ જાય છે.
[15] મૃત્યુ પછી સ્વર્ગમાં કોણ જાય છે ? સત્ય તેમજ મધુર બોલનારા, પોતાનાં કાર્યોમાં કુશળ, સંતાનોને સુશીલ તેમજ જ્ઞાની બનાવનારા, માતાપિતાની હૃદયપૂર્વક સેવા કરનારા, ઈશ્વરમાં આસ્થા ધરાવનાર તેમજ ખોટાં કામ કરતાં ઈશ્વરથી ડરનારાં – આ બધાં મૃત્યુ પછી સીધા સ્વર્ગમાં જાય છે. મૃત્યુ પછી સીધા નરકમાં કોણ જાય છે ? – ખરાબ શબ્દો બોલનારાં, કટુ વાણી બોલનારાં, આળસુઓ, પોતાના બાંધવો-મિત્રો-સાથીઓ સાથે વિશ્વાસઘાત કરનારા, નીચ લોકોને સાથ દેનારા તેમજ તેમની સેવા કરનારા – આ બધાં મૃત્યુ પછી સીધાં નરકમાં જાય છે.
[16] આ સંસારમાં સૌથી વધારે બળવાન કાળ છે. કાળ જ સંસારના પ્રાણીઓને ખાઈ જાય છે. તેની ભૂખ સંતોષાતી જ નથી, ખાયા જ કરે, ખાયા જ કરે છે. બધાનો નાશ થાય ત્યારે પણ કાળ તો હયાત હોય છે. કાળ હમેશાં જાગ્રત રહે છે, બધાને જગાડતો પણ રહે છે.
[17] લક્ષ્મીનો નિવાસ ક્યાં હોય છે ? – જ્યાં અન્ન ના ભંડાર ભરેલા રહે છે, જ્યાં પતિ-પત્નીમાં કલેશ-કંકાશ હોતો નથી, જ્યાં મૂર્ખની મહેમાનગીરી થતી નથી. કેવળ આવાં જ સ્થાનોમાં લક્ષ્મી નિવાસ કરે છે.
[18] કામવાસના આ સંસારનો સૌથી મોટો રોગ છે. તે મનુષ્યના શરીરને અંદર અંદરથી જ ખોખલું કરી નાખે છે. આનાથી બુદ્ધિ ભ્રષ્ટ થાય છે. ક્રોધ એ આ સંસારની ભયંકર આગનું નામ છે, તે ઈન્સાનનો વિનાશ કરે છે. જ્ઞાન જેની પાસે હોય તે હમેશાં સુખી રહે છે. સંસારનાં બધાં દુ:ખો જ્ઞાનથી દૂર ભાગે છે.
[19] વિદ્યાર્થી, નોકર, ભૂખ્યો માણસ, ખજાનચી, ચોકીદાર, બુદ્ધિમાન – આ લોકો જો સૂઈ રહે તો તેમને જગાડી દેવા જોઈએ. કારણકે વિદ્યાર્થી જો સૂઈ રહે તો તેનો અભ્યાસ નહીં થાય, નોકર સૂઈ રહેશે તો માલિક તેને કાઢી મૂકશે, ભૂખ્યો જો સૂઈ રહેશે તો પેટ માટે રોટીની શોધ કરવા કોણ જશે ? ખજાનચી કદી સૂઈ રહેશે તો ધન ચોરાઈ જશે. ચોકીદાર સૂઈ જશે તો પણ ચોરી થઈ જશે. એટલા માટે આવા લોકોને જગાડવ એ ઉચિત છે.
[20] ધુવડ દિવસે જોઈ શક્તું નથી તેમાં સૂર્યનો શો દોષ ? કેરડાના છોડ પર પાંદડા ઊગતાં નથી, ફૂલો થતાં નથી તેમાં ભલા વસંતનો શો દોષ. ચાતકના મોમાં વર્ષાનું એક ટીપું પડતું નથી તેથી ભલા વાદળોનો શો વાંક ? – અરે ભાઈ, વિધાતાએ આપણા નસીબમાં જે કંઈ લખી દીધું છે તે જ થઈને રહેશે. એને તો દુનિયાની કોઈ શક્તિ બદલી શકતી નથી.
પોલીસચોકીમાં ભદ્રંભદ્ર – રમણભાઈ નીલકંઠ
'અંબારામ, આજનો દિવસ હું સંતાઈ રહ્યો હોઈશ એમ બધા ધારતા હશે. પણ, હું તો અનેક ચમત્કારોના દર્શનમાં ગૂંથાઈ રહ્યો હતો; તેનું વર્ણન –'
પોલીસના એક સિપાઈએ ડંડો ઊંચકી ભદ્રંભદ્રના બે હોઠને ઈચ્છા ઉપરાંત મેળાપ કરાવ્યો. ચોકીને પગથિયે ચઢતાં વળી તે બોલ્યા,
'સોનારૂપાના વાળવાળી રાણીના મહેલને ઓટલે તેના ભવિષ્યનો ધણી થનાર રાજા ચઢ્યો; તેમ હું આજ રક્ષાભવનમાં પ્રવેશ કરું છું. એથી ઘણા ઉત્પાત થશે એમ અંબારામ, નક્કી માનજો. સુધારારૂપી ત્રિયારાજ હવે ટકવાનું નથી. મારા વિજયઘોષ માટે આ રણશિંગું તૈયાર રાખેલું છે.'
ભદ્રંભદ્ર કોઈ ઠેકાણે ભાંગ કે એવું કંઈ પી આવ્યા હોય એમ લાગતું હતું. સિપાઈના ફટકાનો સ્પર્શ તેમના મનમાં લાંબા વખત સુધીની લાગણી ઉત્પન્ન કરતો. મારા કરતાં તેમનું ચિત્ત વધારે પ્રસન્ન હતું. આ ઠેકાણે રાત કેમ જશે તેની મને ચિંતા થતી હતી પણ ભદ્રંભદ્ર બોલ્યા :
'ઉતારો ઠીક છે. પણ છાપરું સહેજ નીચું છે અને જાળી એક જ છે. પરંતુ સારી ગોઠવણ થઈ શકશે. આ હુક્કો અહીંથી લઈ લેવો પડશે. ગોળી(માટલું) પણ બ્રાહ્મણિયા નહિ હોય. ખાટલો તો છો રહ્યો, પથારી કરતી વખતે ઢાળજો. ઓહો ! બીજા ગૃહસ્થો પણ અહીં બિરાજેલા છે. જરા સંકડાશ પડશે, પણ વાતો કરવાનું અનુકૂળ પડશે.'
પોલીસના સિપાઈ ભણી ફરીને કહ્યું : 'આ બધા માટે અત્યારે દશમી જ થવાની હોય તો મારે પણ તે જ ચાલશે. દૂધની હશે એટલે નહાવા કરવાની હરકત નહિ પડે પણ રાંધનાર અને જમનારને પાણીનો જરા પણ સ્પર્શ થવો ન જોઈએ. એમાં તો ગંગાનું પાણી પણ અપવિત્રતા કરાવે. દશમી બાંધવાના દૂધને પણ પાણીનો સ્પર્શ થવો ન જોઈએ. દૂધમાં પણ ઘણો અંશ પાણીનો સ્વાભાવિક રીતે હોય છે એમ સુધારાવાળા કહે છે તે હું નથી માનતો. એ તો માત્ર આર્યધર્મ ડુબાવવાને રસાયણશાસ્ત્રીઓની જોડે મસલત કરી વંચના ઊભી કરેલી છે. જલથી શરીર અને આત્મા શુદ્ધ થાય છે, પણ અન્ન અશુદ્ધ થાય છે. કેમ કે વનસ્પતિના દેવ સોમનું ગ્રહણ થાય છે.'
પોલીસચોકીમાં કોઈ દહાડો ન બનેલી અપૂર્વ વર્તણૂક જોઈ સિપાઈ વિસ્મય પામી ભદ્રંભદ્રના સામું જોઈ રહ્યો હતો. બીજાએ કહ્યું, 'હાસમ ફટકાવ ને, અબી ચૂપ હો જાયગા.'
'દીવાના હૈ કે ક્યા ?' એમ શંકા બતાવ્યા છતાં હાસમે ફટકાવી ભદ્રંભદ્રને જાગૃતિ આપી. તેને નિષ્ફળ કરવા ભદ્રંભદ્ર માત્ર મનને જાગ્રત કરી જીભ બંધ કરી બેઠા. પોલીસના એક-બે અમલદારો આવી ગયા. તેમણે અમને કેટલાક પ્રશ્નો પૂછ્યા. ભદ્રંભદ્રના ઉત્તર સાંભળી 'તોફાન કરે તો ફટકા લગાવવા' ની ભલામણ કરી તેઓ ચાલ્યા ગયા. થોડી વારે ભદ્રંભદ્રે પાછી ભોજનની માંગણી કરી. એક બીજા સિપાઈએ આવી થોડા ચણા આપ્યા પછી લાત લગાવી. સંપ્રદાયનો ક્રમ શાસ્ત્રાનુસાર ફેરવી ભદ્રંભદ્રે પહેલી લાત ખાઈ લીધી એ પછી ચણા ખાવા માંડ્યા. ચણા ખાઈ રહી થોડી થોડી વારે પાસેના ઓરડાના સિપાઈઓને શાંત જોઈ ભદ્રંભદ્ર બોલ્યા :
'ચણા ખાવાનું શાસ્ત્રમાં પુણ્ય લખ્યું છે તેથી મેં તે સ્વીકાર્યા. ચણાના ગર્ભમાં જે વાયુ છે તેના સેવનથી પ્રાણાયામ કરવાની શક્તિ વધે છે, તેથી જ લડાઈ વખતે સિપાઈઓ ચણા ખાય છે. પ્રાણાયામ કરવામાં આટલું મહોટું અંગબળ અજમાવાય છે કે લડાઈમાં બંને લશ્કર સામસામાં પ્રાણાયામ કરીને ઊભાં રહે છે. જેનો પ્રાણાયામ વધારે વાર ટકે તે જીત્યા કહેવાય છે. લડાઈમાં દારૂગોળા કે સંગીનથી મારામારી થાય છે એવી બધી વાતો સુધારાવાળાઓએ ચણાને બદલે સેવો ખાવા સારુ જોડી કહાડેલી છે.'
વધારે વાત ચલાવવાની મારી વૃત્તિ નહોતી. હાથના બંધનને લીધે અમને ઊંઘ આવતી નહોતી. જે બીજા બે માણસોને અમારી પહેલાંના ચોકીમાં આણી બેસાડેલા હતા તે હજી લગી કેવળ શાંત થઈ બેસી રહ્યા હતા. કેટલીક વારે બધું ચૂપ જોઈ તેમાંના એકે કહ્યું, 'રમાલ પાના, રરાક પાના રીક પાના રણાય પાના રે પાના.'
બીજાએ ઉત્તર દીધો, 'રાં પાના.'
થોડી વાર મૂંગા રહી પહેલાએ ફરી કહ્યું, 'રજવું પાના રોઉં પાના ?' રંઈ પાના રશે પાના ?'
બીજાએ ઉત્તર દીધો : 'રીછે પાના.'
આ પ્રશ્ન શા હતા અને તેના ઉત્તરમાં બીજાએ શી આજ્ઞા આપી તે કશું સમજાયું નહિ. અર્થ જાણવાની જિજ્ઞાસાથી ભદ્રંભદ્ર બોલ્યા, 'સદ્દગૃહસ્થો, આપ પાના પાના કહી ખાવાના કહી ખાવાનાં પાન કરતા હો તો મારે માટે પણ એક પાન બાંધજો. ચણા પચવા જરા કઠણ છે અને પાન પાચક છે, શાસ્ત્રમાં હરકોઈના હાથનાં પાના ખાવાની ના નથી લખી.'
કોઈએ ઉત્તર દીધો નહિ તેથી વળી પાછું સર્વ નિ:શબ્દ થયું.
ચિત્તના ઉદ્વેગની તીવ્રતા કંઈક ઓછી કરવા અને ભદ્રંભદ્રને બોલતા બંધ કરવા મેં ભીંતને અઢેલી આંખો મીંચીને પડી રહેવાનો પ્રયત્ન કર્યો. ભદ્રંભદ્રના અનુસરણમાં કીર્તિ કરતાં અપકીર્તિ વધારે થાય છે. સુખ ઓછું અને પીડા ઘણી થાય છે. આશા ઉત્પન્ન કરનાર માત્ર ભદ્રંભદ્ર છે અને નિરાશા કરનાર આખું જગત છે; એવા વિચાર મને આવવા લાગ્યા. કદાપિ કેદમાં જવાનો વખત આવશે તો કષ્ટ અને અપમાન કેમ સહન થશે એ કલ્પનાથી હું ભયભીત થવા લાગ્યો. વળી, ભદ્રંભદ્રના આર્યધર્માભિમાનનો વિચાર આવ્યો અને મારામાં એ અભિમાન ઓછું છે તેથી જ હું કેદમાં જવાને ઓછો રાજી છું એમ લાગ્યું. ભદ્રંભદ્ર માટે પૂજ્યબુદ્ધિ જાગ્રત થઈ અને મને કંઈક હિંમત આવી. ભદ્રંભદ્રની સંગતિમાં શરીરપીડા ખમવામાં પણ ઉત્સાહ કેટલો આનંદ આપે છે. માર ખાવામાં પણ તપશ્ચર્યાનું પુણ્ય પ્રાપ્ત થાય છે એ ભદ્રંભદ્રનું કહેવું કેટલું સત્ય છે, એ વિચાર આવ્યો. આવા વિચારક્રમમાં સ્મૃતિ ઝાંખી થતી જતી હતી અને આંખો સહેજ મળવા આવી હતી એવામાં, ભદ્રંભદ્રે બૂમ પાડી કે, 'મને કંઈ કરડ્યું'. તેથી હું ચમકીને સાવધ થયો. ભદ્રંભદ્રને પગને અંગૂઠે કંઈ કરડ્યું હતું પણ અંધારાને લીધે શું કરડ્યું હશે તે જણાતું નહોતું. આથી અમારો ગભરાટ વધ્યો. હું ને ભદ્રંભદ્ર સિપાઈને બોલાવવા લાગ્યા. એક સિપાઈએ આવીને પ્રથમ બધાને સારી પેઠે ફટકા લગાવ્યા. 'એ બમન કબસે સોને નહિ દેતા હૈ' એ કારણ બતાવી ભદ્રંભદ્રને બીજા કરતાં વિશેષ વાર કાષ્ઠ અને ચર્મનો સ્પર્શ કરાવ્યો. એ પ્રમાણે અભિનંદન આપ્યા પછી સિપાઈએ ગરબડનું કારણ પૂછ્યું. કારણ જાણી દયા આણી દીવો લેવા ગયો. તે ગયો એટલે ભદ્રંભદ્ર બોલ્યા :
'દુ:ખ માટે આર્તરવ કરવો એ શું શાસ્ત્રાનુસાર નથી ? કદાપિ આ સર્પદંશ હશે અને હું વિદેહ થઈશ તો જગતનું શું થશે ? આર્યમંડળનું શું થશે ? આનો ઉપાય ત્વરાથી થવો જોઈએ.'
મે કહ્યું : 'જિજ્ઞાસાને તાડનમાં લીન કરી અપૃચ્છાને આગળ થવા દેવી એ કેવળ મૂર્ખતા છે. દંશ કરનાર પ્રાણી ગમે તે હશે પણ તેના દોષે રક્ષકની અને સર્વની નિંદ્રાનો ભંગ કરાવ્યો તો તાડન તેને એકલાને જ ઉચિત હતું.'
ભદ્રંભદ્ર બોલ્યા : 'ઉચિત અનુચિતની હમણાં વાત નથી. મારા દંશનો પ્રતિકાર કરો. હું મરી જઈશ તો ઔચિત્યનો નિર્ણય કરનાર પણ કોણ રહેવાનું છે ?'
સિપાઈએ દીવો લાવી બધે ઠેકાણે તપાસ કરી પણ કરડી જાય એવું કશું જણાયું નહિ. અંગૂઠે દાંત પડેલા હતા પણ તે બહુ તીણા નહોતા. લોહી નીકળતું નહોતું. ભદ્રંભદ્રની બૂમો છતાં તેમની મુખરેખા પરથી જણાતું હતું કે વેદના બહુ થતી નહોતી. પાણીનો પાટો બાંધવાનો આપી સિપાઈ પાછો સ્વસ્થ થવા લાગ્યો.
ભદ્રંભદ્ર કહે, 'સુધારાના પ્રબળમાં મંત્ર જાણનાર પણ ઓછા થઈ ગયા છે. સર્પ જેમ મંત્રશ્રવણથી મોહ પામે છે, તેમ તેનું વિષ પણ મનુષ્યના શરીરમાં પેઠા પછી મંત્રોચ્ચાર સુધી સ્તબ્ધ થઈ ઊભું રહે છે. મંત્ર ભણનારના હસ્તના ચલન સાથે તેમાંથી પ્રાણવાયુ ઝરતાં વિષને તે વાટવાકર્ષણથી નીચે ઉતારે છે અને દંશને સ્થાનેથી તે પાછું બહાર નીકળી જાય છે. લોહીમાં વિષ કદી ભળતું જ નથી. પણ સુધારાવાળા વહેમ કહી આ માનતા નથી. અને જગતના ઉત્તમ પુરુષોને સર્પદંશથી નાશ થવા દે છે.'
જે બીજા બે માણસોને ચોકીમાં પૂરેલા હતા તેમાંનો એક બોલ્યો, 'અરે ઉલ્લુ, સાપ તો કંઈ નથી પણ તારો બાપ તને કરડ્યો છું. તારાં ગજવાં તપાસ્યાં પણ કંઈ જડ્યું નહિ તેથી ચીડ ચડ્યાથી તારો અંગૂઠો કરડી ખાધો. માર ખાવો હોય તો સિપાઈને કહેજે. મારા હાથ બાંધેલા છે તેથી કોઈ માનવાનું નથી.'
મેં પૂછ્યું : 'ત્યારે ગજવાં તપાસ્યાં શી રીતે ?'
તેણે કહ્યું : 'પેલી સોટી મ્હોમાં લઈને. અરે જાને, ગમે તે રીતે; એ સોટી તો ગુમ થઈ ગઈ.' સિપાઈની ઊંઘમાં ફરીથી ખલેલ પાડવાનું અમને દુરસ્ત જણાયું નહિ, તેથી જાગતા રહી સવાર થવાની વાટ જોવા લાગ્યા. સવાર થયા પછી એક-બે પોલીસ અમલદારોએ આવી અમારી પાસેથી જવાબ લીધો અને બદલામાં ગાલિપ્રદાન આપી ચાલતા થયા.
થોડી વાર પછી અમને બેને એક મૅજિસ્ટ્રેટને મુકામે લઈ ગયા. પણ તે શિકાર કરવા ગયેલા હોવાથી બીજાને ત્યાં લઈ ગયા. તેમને બિલકુલ ફુરસદ ન હોવાથી ત્રીજાને ત્યાં લઈ ગયા. થોડી વારમાં સોમેશ્વર પંડ્યાને અને તે રાત્રે મળેલી નાતમાં બીજા કેટલાકને પણ પોલીસવાળા ત્યાં લઈ આવ્યા. ભદ્રંભદ્ર તેમને આવકાર દેવા જતા હતા પણ દંડપ્રહારનો ભય ઉત્પન્ન થતાં મૌન ધારણ કરવું યોગ્ય ધાર્યું. જાત તપાસ સારુ અમને સર્વને કેદમાં નાખવાની પોલીસે પરવાનગી માગી. તે પરથી ભદ્રંભદ્ર બોલ્યા :
'ન્યાયાધ્યક્ષ, નરકમાં સાથે રહેવાનું હોય તો પણ હું આ બ્રાહ્મણચાંડાળોથી ભિન્ન ગ્રામમાં વાસ કરું. એમના સંસર્ગથી હું તાડનનો ભય રાખું છું તેમ નથી, પણ એમનો સ્પર્શ દૂષિત કરે છે, એમનો સહવાસ ભ્રષ્ટતા કરાવે છે.' ચૂપ રહેવાનો હુકમ થવાથી ક્ષણ વાર શાંત થઈ ભદ્રંભદ્રે કહ્યું, 'મારું કહ્યું સાંભળવું જોઈએ. ગઈ રાત્રિમાં મને અસહ્ય દુ:ખ પડ્યું છે.'
મૅજિસ્ટ્રેટે કહેવાની રજા આપવાથી ભદ્રંભદ્રે રાતનો કંઈ વૃતાંત આપ્યો. પણ પોલીસ અમલદારે કહ્યું કે, 'આ આદમી બહુ જ તોફાન કરતો હતો માટે તેને સખત જાપ્તામાં રાખવો પડ્યો છે તે સિવાયની બધી વાત જૂઠી છે.' તેથી એ વિના બીજું કહેવું હોય તે કહેવાની રજા મળી. ભદ્રંભદ્રે કહ્યું, 'જે અસત્યવાદીએ મારું નામ અપરાધીમાં ગણાવ્યું હોય તે મારા બ્રહ્મતેજથી અજ્ઞાત હોવો જોઈએ. બ્રાહ્મણને દેવ, દાનવ અને ગંધર્વ નમે છે. તો મનુષ્યની શી ગણતરી છે ? મારા તેજને બળે હું અદશ્ય થઈ જતો રહી શકું છું. પણ તેમ કરું તો આ રક્ષકો શિક્ષાપાત્ર થાય માટે દયા આણીને જ હું તેમને વશ રહું છું. મારા તેજના બળે આ સર્વ અધિકારીવર્ગને બાળીને ભસ્મસાત્ કરી શકું છું. પણ તેમ કરું તો આ દુષ્ટો પણ શિક્ષા પામ્યા વિના છૂટી જાય માટે જ તેમને યોગ્ય દશાએ પહોંચાડવા હું મારો કોપ શમાવું છું. તો મારા જેવા તેજસ્વીને પૂરી રાખવાથી શો લાભ છે ? મારા જેવા મહાપુરુષને જગતનું કલ્યાણ કરતાં અટકાવી નિયંત્રણમાં રાખશો અને રક્ષકોને મારો સંસર્ગ કરાવશો તો તમને હાનિ એ થશે કે સર્વ રક્ષકોને હું ઉપદેશ કરી સુધારાના પક્ષમાંથી આર્યપક્ષમાં લઈ લઈશ અને તમારી સેવા મૂકી દઈ તેઓ સંન્યાસી થઈ જશે. શ્યામ વસ્ત્ર તજી દઈ ભગવાં ધારણ કરશે અને રાત-દિવસ મારી કથા શ્રવણ કરતાં મ્હોં પહોળાં કરી દિગ્મૂઢ જેવા મારી સમક્ષ બેસી રહેશે. માટે મુક્ત કરવામાં તમને જ લાભ છે. એ ધ્યાનમાં લો.'
ભદ્રંભદ્રના આ પ્રમાણબળથી મૅજિસ્ટ્રેટ અને રક્ષકાવર્ગ નિરુત્તર થઈ લજ્જા પામી નીચું જોઈ રહેશે અને એમને છોડી દેવાની આજ્ઞા એકદમ કરશે, પણ તે મહોટે સ્વરે કહેવાની તેમનામાં હિંમત નહિ રહે, એમ ધારી મંદ શબ્દ સાંભળવા મેં કર્ણને તત્પર કર્યા. પણ મૅજિસ્ટ્રેટે ભદ્રંભદ્રને એટલું જ કહ્યું કે, 'વધારે બકબકાટ કરીશ તો કોર્ટના અપમાન માટે સજા કરવામાં આવશે.'
પોલીસને બીજે દિવસે સર્વને ફરી હાજર કરવાનો હુકમ કર્યો. ફરી હાજર કર્યા ત્યારે ભદ્રંભદ્રના મિત્રોએ એમને જામીન પર છોડવાની અરજ કરી. ભદ્રંભદ્રની વર્તણૂક શાંત થઈ હતી તેથી વાંધો ઓછો હોવાથી અમને છોડ્યા.
Tuesday, 29 May 2007
મિયાંફુસકી – જીવરામ જોષી
[મિયાંફુસકી અને તભાભટની ઓળખાણ આપવાની હોય જ નહિ. ગુજરાતી બાળસાહિત્યના એ અમરપાત્રો છે. મિયાંફૂસકી અને તભાભટની વાર્તાઓ ઉપરથી નાટક, ટી.વી સિરીયલ અને ફિલ્મ પણ બની ચૂક્યા છે. સુપ્રસિદ્ધ લેખક શ્રી ચંદ્રકાન્ત બક્ષીએ આ પાત્રોની અમરતા વિશે કહ્યું હતું કે ‘ગુજરાતી ભાષામાં કખગ જીવતા રહેશે ત્યાં સુધી બાળસાહિત્યમાં મિયાંફુસકી અને જીવરામ જોષી જીવતા રહેશે. ‘અમે કોણ ? સિપાઈ બચ્ચા’ એ મિયાંફુસકીનું બાળકોમાં પ્રચલિત વાક્ય છે. તો આવો માણીએ મિયાંફૂસકીની એક સરસ મજાની વાર્તા.]
[વાર્તાનું નામ : દલાશેઠનો કૂવો]
દલાશેઠ, તભાભટ અને મિયાંફુસકી ચાલી નીકળ્યા. દલાશેઠ ઢીલાઢસ. મનમાં રીસ. ઠાકોરે શહેરમાં ખરીદી કરવા મોકલ્યા છે અને પૈસા સાચવવા મિયાંને આપ્યા છે. દલાશેઠ બળી ઊઠ્યા છે, પણ કરે શું ? અદેખા એવા જ હોય. બીજાનું બૂરું ચાહે. એવા દાવ ગોઠવે. એમાં ફાવે નહિ. ઊલટા પોતે ફસી પડે ત્યારે મનોમન બળવા માંડે છે. સાપને રીસ ચડે ત્યારે પોતાની ફેણ પછાડે છે. ગુસ્સો પણ સાપ જેવો જ છે. કંઈ ના બની શકે ત્યારે માણસ પોતે જ પોતાનો જીવ બાળે છે. પોતાના હોઠ કરડે છે.
મિયાંફુસકી અને તભાભટ તો મોજથી ચાલ્યા. દલાશેઠ ભાગ્યા. આગળ આગળ ચાલવા માંડ્યા.
મિયાંફુસકીને હસવું આવ્યું.
તભાભટ કહે : ચુપ રહો.
મિયાં કહે : કાં ? દલાશેઠનો રંગ તો જુઓ !
તભાભટ કહે : હારેલાની સામે કદી હસીએ નહિ અને કોઈને બળતો જોઈને રાજી થઈએ નહિ. એવું કરે તે હાલકો ગણાય.
ફુસકીમિયાં બોલ્યાં : અમે દલાશેઠ ઉપર નથી હસતા. અમને હસવું આવે છે એમના ખોટા સ્વભાવ ઉપર. છીંદરી બળે પણ વળ છોડે નહિ.
તભાભટ કહે : સ્વભાવ કોઈનો બદલાતો નથી. પણ પોતે સમજવું કે, પોતાનો આ સ્વભાવ ખોટો છે. તેની ઉપર દાબ રાખવો. ખોટો સ્વભાવ વધે નહિં તે જોવું. પણ આ દલાશેઠ તો લાત ઉપર લાત ખાય છે તોય સમજતા નથી.
તભાભટ અને મિયાંફુસકી આમ વાતો કરે છે ત્યાં તો દલાશેઠ ક્યાં ના ક્યાં પહોંચી ગયા. દલાશેઠ અદેખા તો છે જ, પણ લોભિયા ય છે. આગળ ગયા અને લોભ નડ્યો. ખરેખર ફસી ગયા. દલાશેઠને એમ કે ઝત ઝટ ચાલું અને વહેલો ઘેર પહોંચી જાઉં. એમ વિચારીને જોર જોરથી ચાલ્યા. વધારે ચાલવાથી શરીર વધારે ગરમ થાય. તરસ અને થાક વહેલાં આવીને ઊભાં રહે.
તરસ લાગી.
મારગમાં ન મળે કૂવો કે ન મળે નદી. એક ગામ વચમાં આવતું હતું. પણ તે દૂર હતું. ત્યાં પહોંચે ત્યારે પાણી પીવા મળે. ઝટ પહોંચાય તો વહેલું પાણી પીવા મળે. તે માટે દલાશેઠ વધુ ઝડપથી ચાલવા માંડ્યા. વધારે ઝડપ કરે એટલે તરસ લાગી. સૂરજદાદા પણ હવે વધારે તપવા માંડ્યા હતા. મોઢું માંડ્યું સુકાવા. જીભ માંડી કોરી થવા. દલાશેઠ ગભરાવા માંડ્યા, કે આ વગડામાં પાણી મળે એમ નથી. નજીકમાં કોઈ વાડી દેખાતી નથી. કોઈ માણસ પણ સામે મળતો નથી.
ત્યાં ટપ દઈને પરસેવાનું ટીપું નાકે થઈને હોઠ પર ટપકી પડ્યું. દલાશેઠે મીઠા મધ જેવું માનીને પરસેવાનું ટીપું જીભ વડે ચાટી લીધું. પરસેવો ખારો હોય. એ પરસેવાનું ખારું ટીપું પણ દલાશેઠને મીઠું લાગ્યું. વસ્તુની કશી કિંમત નથી. વસ્તુનો ઉપયોગ જ કીમતી છે. ત્રણ ત્રણ દિવસની ભૂખ હોય. એક દાણો ય ખાવા મળ્યો ન હોય ત્યારે કોઈ લાખ લાખ રૂપિયાના હીરા લાવીને આપે તો શા કામના ? લાખ રૂપિયાનો હીરો ખવાતો નથી. પણ એક રોટલાનો ટાઢો ટુકડો મળે તો તે એ હીરા કરતાં ય વધારે વહાલો લાગે. સોનું મોંઘુ છે. કારણકે તે થોડું મળે છે. સોનાની પેઠે લોઢું પણ ઓછું મળતું હોય તો લોઢાની કિંમત સોના કરતાં પણ વધારે મોંઘી હોત.
દલાશેઠ એક એક પગલું માંડે છે અને હાશકારો નાંખતા જાય છે. હે પ્રભુ, હે પ્રભુ બોલતા જાય છે. ભાવ એવા ભગવાન. સાચા ભાવથી ભગવાનને સંભારીએ તો જે માંગીએ તે મળી જાય. દુ:ખ પડે એટલે પ્રભુને સંભારે તો કશું મળે નહિ. દુ:ખના લીધે તમે પ્રભુને સંભારો છો. હૃદયના પ્રેમભાવથી નથી સંભારતા. અદેખા, લોભી, લાલચુ, મોજીલા, રંગીલા, ચોર, જૂઠા, કપટી, સ્વાર્થી, ઠગારા લોકોના મનમાં સાચો પ્રેમભાવ કદી આવતો નથી. એ ભલે ને પ્રભુ પ્રભુ બોલે પણ એમાં પ્રેમભાવ ઊતરે નહિ. દલાશેઠ તો અદેખા અને લોભિયા.
પણ આ જ પ્રભુએ જાણે કે, એમની ઉપર દયા કરી દીધી.
‘હાશ’ બોલીને દલાશેઠે પ્રભુનો આભાર માન્યો પણ તરત જ ઉદાસ બની ગયા.
મારગમાં એક કૂવો આવી ગયો. કૂવામાં ભરપૂર પાણી હતું. કૂવો જોતાં જ દલાશેઠના મનમાં બળ આવી ગયું. દોડતા ગયા અને કૂવાને કાંઠે પહોંચી ગયા. અંદર ડોકિયું કર્યું તો ઝલમલ, ઝલમલ પાણી ઝબકે છે.
‘હે પ્રભુ ! મોટી દયા કરી’ આમ બોલીને દલાશેઠે ખભા ઉપરથી ખેસ લઈને કુવાની કિનારી ઉપર મૂકી દીધો. પાઘડી ઉતારીને નીચે મૂકી. હવાની ઝાપટ વાગે અને પાઘડી કુવામાં જઈ પડે તો પંચાત થાય. વાણિયાના દીકરા. બધી વાતમાં ગાંડા પણ મતલબમાં ભારે ડાહ્યા. કુવાની કિનારી પરથી ખેસ પણ લઈ લીધો અને પાઘડીમાં દબાવી દીધો. દલાશેઠને ભારે આનંદ થયો. ઘડીભર તરસ પણ ભૂલી ગયા. ગંગાજળ જેવો પાણીનો કુવો મળી ગયો. દલાશેઠને મનમાં થયું કે, ધન્ય છે એ માનવીને કે ત્રણ ગાઉને છેડે આવો કુવો બંધાવ્યો છે ! ત્યાં તકતી જોઈ. કુવાની કિનારી પર તકતી હતી. કુવો બંધાવનારનું તેમાં નામ હતું. દલાશેઠે વાંચ્યું. કુવો બંધાવનારને લાખ લાખ વાર ધન્યવાદ આપ્યા. તકતી વાંચી લીધી એટલે જીભ તાળવે ચોંટી. તરસ સાંભરી. ઝટ પાણી પી લઉં એમ થયું. કુવામાં ડોકિયું કર્યું.
‘હાય હાય રે નસીબ !’ એમ બોલીને દલાશેઠે કપાળ પર ટાપલી મારી અને કુવાની કિનારી પર બેસી ગયા. કુવો મળ્યો.
કુવામાં ગંગાજળ જેવું પાણી
પણ પાણી પીવું શી રીતે ?
પાણી ખેંચીને બહાર કાઢવાનું સાધન ના મળે.
પહેલાંના લોકોનો નિયમ હતો કે, બે ગાઉથી વધારે દૂર જવું હોય તો દોરી-લોટો સાથે લેતા જાય. કોઈ દોરી-લોટો લઈને જાય તો સમજવું કે તે પાંચ દશ ગાઉ દુર જવાનો છે. દોરી-લોટો પાસે ન હોય તો સમજવું કે તે એકાદ ગાઉ જવાનો હશે.
દલાશેઠે કુવામાં આંખ માંડી.
કોઈ રીતે કુવામાં ઊતરાય એવું નથી.
દલાશેઠ અત્યાર સુધી કુવો બંધાવનારને આશિષ આપતા હતા. હવે મનોમન તેને બેવકૂફ કહ્યો અને બોલ્યા : ‘કયા મૂરખાએ આવો કુવો બંધાવ્યો હશે ?’ ત્રણ ગાઉના છેડે અંદર ઊતરવાની સગવડ જ કરી નથી. કોઈ દોરી-લોટા વિનાનો આવે તો શી રીતે પાણી પીએ ? બુદ્ધિના બુઠાને આટલીય વાત સૂઝી નહિં હોય ? પોતાનું કામ બનતું હોય તો માણસ તેનાં વખાણ કરવા માંડે છે અને પોતાનો સ્વાર્થ પુરો ન થાય તો તેની નિંદા કરવા બેસે છે. એનું નામ માણસ.
કપાળ કુટીને દલાશેઠ કુવાને કાંઠે બેસી ગયા. તરસ ખરેખર લાગી છે. કુવામાં પાણી છે પણ કાઢવાનો કોઈ ઉપાય નથી. અધુરામાં પુરું કુવો પણ ઊંડો છે. દલાશેઠના દુ:ખનો પાર ન રહ્યો. હવે તો આગળ ચાલવાની હામ રહી નહિ. ત્યાં ભગવાને બીજી દયા કરી.
દયાળું છે. કોઈ એક ભરવાડ આવતો દેખાયો. તેના હાથમાં પિત્તળના બોધરણા જેવું વાસણ હતું. જરા વધારે નજીક આવ્યો કે, તેના બીજા હાથમાં દોરડું દેખાયું. દલાશેઠને ભારે આનંદ થયો.
‘વાહ પ્રભુ વાહ ! તમે દયા કરી ખરી. પણ આવી પરીક્ષા શીદ લેતા હશો ?’ આજ મનોમન દલાશેઠ બોલ્યા. ભરવાડ વગડાનો વાસી. ઘેટાં બકરાં લઈને નીકળ્યો હશે. તે પાણી લેવા આ કૂવે આવી પહોંચ્યો.
દલાશેઠ એકદમ ઊભા થઈ ગયા. જાણે કે તરસની બધી પીડા ચાલી ગઈ છે. તે સાથે જ જાણે કે, ભરવાડ ઉપર અપાર હેત હોય એમ મોઢું મલકાવ્યું. હસીને બોલ્યા : વાહ મારા ભાઈ, વાહ ! તું ય ખરે ટાણે આવી પહોંચ્યો. લે ઝટ કર. વાસણ જરા માંજી નાખ. વેપારી છીએ. ચોખ્ખાઈ રાખીએ. પછી ભરી આપ પાણી….
ભરવાડ તે ભરવાડ.
વગડાનો વાસી.
જેવા સાથે રહીએ તેવા થઈએ. વગડામાં રહે. પથ્થર અને ઝાડવાંઓ સાથ. ભરવાડ બોલ્યો : એ… વાસણ માંજવાં હોય તો લો આ રહ્યું. માંજી લો અને ભરી લો હાથે.
દલાશેઠ સમજી ગયા કે, ભરવાડની જાત અજડ હોય. ક્યાંક ના કહી દેશે તો પાણી વિનાના રહીશું. માટે જેમ કહે તેમ કરવા દે. દલાશેઠ મોઢું મલકાવીને બોલ્યા : તો એમ કહેને મારા ભઈલા ! તું અને આપણે ક્યાં જુદા છીએ ? તમે વગડામાં રહો અને અમે ગામમાં રહીએ. ઘેટાનું ઊન થાય, ઘી થાય, તે આવીને તમે અમને જ વેચો છો ને ! એટલે તો આપણે વેપારીને અને ભરવાડને સાત પેઢીનો સંબંધ ગણાય. ‘લાવ તે, હું મારે હાથે પાણી ભરી લઉં.’
દલાશેઠે તો વાસણ લીધું. તેના ગળામાં દોરડું બાંધ્યું. દોરડું જરા જાડું અને મજબૂત હતું. તેથી ગાંઠ વાળતાં વાર લાગી. દોરડું બાંધ્યું. વાસણ લઈને કૂવામાં નાખવા જાય કે, સામેથી ફુસકી મિયાં અને તભાભટ આવતા દેખાયા. બકરાંના ટોળામાં સિંહનું બચ્ચું રહે એટલે બેં બેં કરતાં શીખે પણ કોઈ સિંહ સામે આવી જાય કે, એ પાછો સિંહની પેઠે પૂંછડી હલાવે. તેમ દલાશેઠ ભલા અને ભગવાનનાં ભક્ત જેવા બની ગયા હતા. પણ મિયાંફુસકીને જોયાં કે, બધી ભલાઈ હવા થઈ ગઈ. દલાશેઠને વિચાર આવ્યો કે, તરસ તો એ ફુસકીમિયાંને અને તભાભટને પણ મારા કરતાંય વધારે લાગી હશે. અહીં આવશે અને મોજથી પાણી પીશે. પણ એ આવે તે પહેલાં આ ભરવાડ ચાલ્યો જાય તો મઝા થાય. મિયાં પાણી વિનાના ટળવળે અને બંદા મોજથી બેસે. આમ વિચારીને પોતે ઝટ ઝટ વાસણ કૂવામાં નાખ્યું. ઝટ ઝટ પાણી ભરવા ગયા. ઝટ ઝટ દોરડું હલાવ્યું પણ ઉપાધિ થઈ પડી. પોતાને દોરડું બાંધતા આવડેલું નહિ. ગાળો પોચો પડી ગયો. દોરડું વધારે હલાવ્યું કે, વાસણ છુટી ગયું. ડબ… કરતું વાસણ કુવામાં ડુબી ગયું. ખાલી દોરડું દલાશેઠના હાથમાં રહી ગયું…..
ફસકેલા ચીભડા જેવું મોઢું બનાવીને દલાશેઠે ભરવાડ સામે જોયું. ભરવાડ બોલ્યો : પાણી કાઢવું હોય તો ઝટ કાઢી લો ને ! મારે ઝટ જવું છે.’
દલાશેઠમાં એટલી પણ હિંમત ન રહી કે ભરવાડને એમ કહે કે વાસણ ડૂબી ગયું. એ તો ઘડીક કુવામાં જુએ અને ઘડીક ભરવાડના મોઢા સામે જુએ. ભરવાડને નવાઈ લાગી કે, આ શેઠનું મોઢું આવું સુકાયેલી કેરી જેવું કેમ થઈ ગયું ? અને વારેઘડીએ કુવામાં જુએ છે અને મારી સામે જુએ છે !
ભરવાડ બોલ્યો : એમ બાઘાં શું મારો છો ? પીવું હોય તો ઝટ ખેંચી લ્યો. નહિ તો પાછો લાવો. એમ બોલી ભરવાડ ઊભો થયો. કૂવા પાસે ગયો. ‘શું જુઓ છો અંદર ?’ આમ કહીને ભરવાડે કૂવામાં ડોકિયું કર્યું તો દલાશેઠના હાથમાં દોરડું રહી ગયું છે અને એનો છેડો કૂવામાં લટકે છે.
ભરવાડની જાત.
રીસ ચડે તો વાઘ જેવા.
ભરવાડ જરા ધુંધવાઈને બોલ્યો : ‘મારું વાસણ ?’
દલાશેઠ વીલું મોઢું કરીને બોલ્યા : વાસણ છૂટી ગયું અને કુવામાં પડ્યું. ભરવાડ રીસથી બોલ્યો : તો કાઢી આપો.
દલાશેઠ ભરે હેતભર્યા બોલથી બોલ્યા : મારા ભઈલા ! તું વગડાનો વાસી. તને કુવામાં ઊતરતાં આવડે. ઊતરી પડ ને કુવામાંથી વાસણ કાઢી લાવ.
ભરવાડ કહે : અજાણ્યા કુવામાં અમે ઊતરીએ નહિ. કુવામાં ઊતરાય એવું ય નથી.
દલાશેઠ કહે : ‘ભઈલા ! જરા પ્રયન્ત તો કર. જરૂર તું ઊતરી શકીશ. અને પળવારમાં વાસણ કાઢી લાવીશ.
ભરવાડ બોલ્યો : પાની કોણ જાણે કેટલુંય ઊંડું હશે.
દલાશેઠ બોલ્યા : ‘એમ બોલને મારા ભઈલા ! હમણાં એનો તાગ કાઢી આપું.’ આમ કહીને દલાશેઠે દોરડાને છેડે એક પથ્થર બાંધી દીધો. ધીરે ધીરે પથ્થર કૂવાના પાણીમાં ઊતાર્યો. તળિયે અટકી ગયો. હવે જેટલું દોરડું પલળ્યું હોય એટલો કુવો ઊંડો ગણાય.
દોરડું પાછું ખેંચી લીધું. દોરડું ભીનું થયું હતું. તે બતાવીને દલાશેઠ બોલ્યા : લે ભઈલા ! કુવો આટલો જ ઊંડો છે. માંડ ગળા સુધી પાણી હશે. હમણાં ઊતરી પડીશ અને ઊભો ઊભો વાસણ લઈને પાછા આવીશ. ભરવાડ કહે : ઊહું…. હું ના ઊતરું. કુવામાં ઉતરવાની કોઈ સગવડ નથી. મારું વાસણ ઝટ લાવી આપો. ના લાવી આપો તો વીસ રૂપિયા આપો. બે રૂપિયા ભાડાના. શહેરમાં વાસણ લેવા ગયો હતો તે બસનું બે રૂપિયા ભાડું થયેલું.
બાવીસ રૂપિયા થાય. એ કેમ અપાય ? પોતાના ગજવામાં તો પચાસ રૂપિયા રોકડા હતા પણ બાવીસ રૂપિયા આપી દેવા એ વાત કેમ બને ? બાવીસ રૂપિયા આપવા અને તરસ્યા પણ રહેવાનું ?
ભરવાડ કહે છે : ‘ઊંહું’ અને દલાશેઠ સમજાવે છે.
દલાશેઠ કહે : ભઈલા ! હું દોરડું પકડી રાખું તું દોરડું પકડીને કુવામાં ઊતર.
ભરવાડ કહે : ‘ઊંહું’
દલાશેથ કહે : ‘ઉપરથી તને એક રૂપિયો આપીશ.’
ભરવાડ કહે : ‘ઊંહું.’
ત્યાં મિયાંફુસકી અને તભાભટ આવી ગયા.
તભાભટ બોલ્યા : શી વાત છે દલાશેઠ ?
ત્યાં તો ભરવાડ બોલી ઉઠ્યો : હવે તમે જ સમજાવો આ શેઠને. બાવીસ રૂપિયા આલી દે. નહિ આલે તો પછી માથું ફોડી નાખીશ.
તભાભટ કહે : શાના રૂપિયા ભાઈ ?
ભરવાડે વાત કરી કે, પાણી ખેંચવા વાસણ અને દોરડું આપ્યું હતું. વાસણ કુવામાં નાખ્યું. કાં મારું વાસણ આપે અને કાં 22 રૂપિયા આપે.
મિયાંફુસકી ચુપ છે.
તભાભટે કુવામાં જોયું.
ભટજી કહે : અંદર ઉતરાય એવું નથી.
દલાશેઠ બોલ્યા : હું કહું છું કે, અમે દોરડું પકડી રાખીએ. દોરડું પકડીને તું કુવામાં ઉતર. વાસણ કાઢી લાવ. ઉપરથી હું એક રૂપિયો આપું છું.
ભરવાડ કહે : ‘ઊંહું, અજાણ્યા કુવામાં હું ઉતરું નહિ.’
ફુસકીમિયાં હવે બોલ્યા : તો દલાશેઠ જાતે ઉતરશે.
દલાશેઠ ચિડાઈને બોલ્યા : હા, હા, ઉતરીશું. અમારે કોઈની ગરજ નથી.
દલાશેઠને વિચાર આવ્યો કે, કુવામાં પાણી તો ખભા સુધી ઊંડું છે. હું ઊતરું અને કુવામાં ઉભો રહું અને પગ વડે વાસણ શોધી લઉં. એમાં કશી મોટી વાત નથી. આ ભરવાડને બાવીસ રૂપિયા આપવાના બચી જાય. અરે ! તેને એક રૂપિયો આપવાનો કહ્યો છે તે પણ બચી જાય. દલાશેઠને લોભ લાગ્યો. લોભીને લોભ લાગે તો તેને બમણી હિંમત થાય.
દલાશેઠ કહે : ‘ભટજી ! એક કામ કરો તો હું કુવામાં ઊતરું અને એક પળમાં વાસણ લઈ આવું.’
ભટજી કહે : શું ?
દલાશેઠ કહે : તમે અને આ ભરવાડ ભઈલો થઈને દોરડું પકડી રાખો. હું દોરડું પકડીને કુવમાં ઊતરું.
ભટજી કહે : ભલે.
એકવાર કુવામાં જોઈ લીધું. કુવામાં પગ ભરાવવાની પણ જગા નહોતી. પોતે એ રીતે ક્યારેય કુવામાં ઉતરેલા નહિ. દોરડું પકડીને ઉતરે અને હાથ બાથ સરકી જાય તો કુવામાં પટકાઈ પડે. એ બધી વાતનો વિચાર કરવો જોઈએ. આમ દલાશેઠે વિચાર કરી જોયો. દોરડું પકડીને કૂવામાં ઊતરવું એ ઠીક નહિ. બીજો ઉપાય છે. દોરડું પોતાની કેડે બાંધી દેવું. પછી કુવામાં ઉતરવું. હાથમાંથી દોરડું છૂટી જાય તોય વાંધો નહિ. આ ઉપાય બરાબર હતો. તે પ્રમાણે કુવામાં ઊતરવા દલાશેઠ તૈયાર થયા. પોતાની કમરમાં દોરડું બાંધી દીધું.
તભાભટ કહે : પણ મારાથી બરાબર પકડી નહિ શકાય. પણ હા, ફૂસકીમિયાં પકડે તો વાંધો ના આવે. ફુસકીમિયાં બોલી ઊઠ્યા : હો હો ! કોઈને મદદ કરવાની વાતમાં આપણે ના નથી કહેતા.
દોરડાનો બીજો છેડો બહાર કશાક સાથે બાંધી દે તો તો વાંધો નહિ પણ દોરડું બાંધી શકાય એવું ત્યાં કશું નહોતું. ન મળે કોઈ એવો મોટો પથ્થર કે ન મળે કોઈ ઝાડ. ફુસકીમિયાં અને ભરવાડ. દોરડું ખેંચી રાખે તો જ દલાશેઠ દોરડું પકડીને કૂવામાં ઊતરી શકે. ફુસકીમિયાંએ અને ભરવાડે દોરડું પકડ્યું. કૂવાની કિનારી સાથે પગ ભરાવીને બેસી ગયા. દોરડું ખેંચી રાખ્યું. દોરડું પકડીને દલાશેઠ કુવામાં ઊતરવા ગયા. કોઈ દિવસ આ રીતે કુવામાં ઊતરેલા નહિ. કોઈ કામ કરી નાખવાની વાત કહેવી એ સહેલું છે. પણ તે કામ કરવા બેસીએ તો અઘરું થઈ પડે. કુવામાં પગ લટકાવીને દલાશેઠ પાછા ઊભા.
ભટજી કહે : કાં ?
દલાશેઠ કહે : દોરડું પકડીને કુવામાં ઉતરતા મને નહિ ફાવે.
ફુસકીમિયાં બોલી ઊઠ્યા : તો આપી દો બાવીસ રૂપિયા અને વાત કરો પૂરી.
દલાશેઠ ચિડાઈ ગયા અને કહે : શાના આપીએ બાવીસ રૂપિયા અને રૂપિયા કંઈ મફત નથી આવતા.
ભરવાડ પણ બોલી ઊઠ્યો કે હવે ઝટ કરો. મારાં ઘેટાં, બકરાં ખોટી થાય છે. લાવો મારું વાસણ અથવા લાવો રૂપિયા બાવીસ.
દલાશેઠને નવો ઉપાય સૂઝયો.
વિચાર કર્યો કે, મારી કેડે દોરડું બાંધી દીધું છે. ફુસકીમિયાં અને ભરવાડ ધીરે ધીરે દોરડું નીચે સરકાવતા જાય તો હું નીચે ઊતરતો જાઉં. તે જ રીતે પાછો મને ઉપર ખેંચી લે તો કૂવામાં ઊતરવાની બહુ પંચાત કરવી ના પડે. દલાશેઠે ભરવાડને કહ્યું કે તું કસકસાવીને દોરડું પકડી રાખજે અને ધીરે ધીરે દોરડુ6 સરકાવજે.
ભરવાડ કહે : ઊંહુ…..! હું એવું ના કરું. લાવો રૂપિયા બાવીસ.
દલાશેઠ કહે : ભઈલા ! તને એક રૂપિયો ભેટ આપીશ.
ભરવાડ કહે : તો બરાબર.
ફુસકીમિયાં અને ભરવાડે દોરડું પકડી રાખ્યું. દલાશેઠ કૂવામાં લટક્યા. કેડમાં દોરડું બાંધ્યું હતું. ભરવાડ અને ફુસકીમિયાં દોરડું માંડ્યા સરકાવવા. ધીરે ધીરે દલાશેઠ કુવામાં ઊતરવા લાગ્યા. ભારે મજા પડી. જાણે કે, હવાઈ છત્રીમાં બેસીને આકાશમાંથી નીચે ઊતરી રહ્યા છે. ફુસકીમિયાંએ વિચાર કર્યો કે, આ લોભિયાને પાઠ ભણાવવો જોઈએ. બાવીસ રૂપિયા માટે કેડમાં દોરડું બાંધીને કૂવામાં ઉતર્યો છે.
ફુસકીમિયાંએ ભરવાડને કાનમાં કહ્યું : ભાઈબંધ, હું કહું તેમ કર તો તને બાવીસ રૂપિયાથી વધુ રૂપિયા અપાવું. ભરવાડ રાજી થઈ ગયો.
દલાશેઠ મનોમન રાજી થાય છે અને કૂવામાં તરી રહ્યા છે. લગભગ અરધે સુધી પહોંચી ગયા હશે. ત્યાં ફુસકીમિયાંએ બૂમ પાડી : ઓ.. દલાશેઠ !
દલાશેઠ મોજથી બોલ્યા : હો….! તમતમારે ધીમે ધીમે દોરડું સરકાવો. આપણે ઉતાવળ નથી.
મિયાં બોલ્યાં : તમારો સાડા ત્રણ મણ નો ભાર અમારે ખેંચી રાખવાનો છે. તમારે કશી મહેનત પડવાની નથી. એટલે તમને ઊતાવળ હોય જ નહિ પણ આ ભરવાડ થાક્યો છે. કહે છે, દોરડું મૂકી દઉં. દલાશેઠ ફફડી ગયા અને કહે : ‘ના ભાઈ ના. એવું ના કરતા. હવે છેક નીચે પહોંચી ગયો છું.’
મિયાં બોલ્યા : આ ભરવાડ તો દોરડું છોડવા તૈયાર થઈ ગયો છે. એ દોરડું છોડી દેશે કે મારા હાથમાં દોરડું નહિ રહે. મારા એકલાંથી તમારો ભાર ખેંચી નહિ રખાય.
ભરવાડ દોરડું છોડશે કે હું ય છોડી દઈશ. તમે ભડામ કરતા6 કૂવામાં પડવાની તૈયારી કરી રાખજો.
દલાશેઠ એકદમ ગભરાયા અને બૂમ પાડી : ના ભઈસાબ ના, ભરવાડને કહો કે હું એને બે રૂપિયા આપીશ.
ફુસકીમિયાં બોલ્યા : તો પણ ના કહે છે. અને દોરડું છોડી દેવા તૈયાર થયા છે. કુવામાં પડવાની તૈયારી કરજો. ભરવાડ દોરડું છોડે કે મારેય તરત છોડી દેવું જોઈએ. ના છોડું તો તમારા ભારથી હું પણ કુવામાં ખેંચાઈ પડું.
દલાશેઠે બુમ પાડી : ના ભઈ ના. કહો કે બે ના બદલે ત્રણ રૂપિયા આપીશ.
ભરવાડ બોલ્યો : મારા હાથમાં દોરડું રહેતું નથી. હું નહિ ખેંચું છોડી દઉં છું.
દલાશેઠ ગભરાયા બુમ પાડીને બોલ્યા : ‘મારા ભઈલા ! પાંચ રૂપિયા લે જે.’
દલાશેઠ કુવાની અધવચ લટકી રહ્યા છે. પાછા ચડી શકે એવી હિંમત નથી. દલાશેઠ ગભરાયા. ભરવાડ કહે કે, દોરડું મૂકી દઉં છું. મિયાં કહે : તો હું ય દોરડુ મુકી દઉં. દલાશેઠ છેવટે દશ રૂપિયા આપવા તૈયાર થયા.
ભરવાડ કહે : દશ રૂપિયા માટે સો રૂપિયાનું બળ કોણ વાપરે ? હું તો છોડી દઉં છું.
દલાશેઠ કહે : ઓ ભઈલા ! દશના બાર લે જે.
ભરવાડ કહે : ના.
દલાશેઠ, એક એક રૂપિયા વધતા ગયા છેવટે પચીસ રૂપિયા આપવા તૈયાર થયા.
મિયાંફુસકી કહે : પણ આ ભરવાડ કહે છે કે રોકડા રૂપિયા પચીસ અને વાસણના બાવીસ મળી સુડતાલીસ રૂપિયા પુરા રોકડા આપો. પછીનો ભરોસો નહિ, ના આપો તો દોરડું છોડું છું.
દલાશેઠ રડમસ થઈને બોલ્યા : મારી પાઘડીની ધડમાં પચાસ રૂપિયા છે. તેમાંથી લઈને આપી દો. પાઘડીની ધડમાંથી નોટો નીકળી. સુડતાળીશ રૂપિયા ભરવાડને આપી દીધા. પછી દોરડું સરકાવ્યું. દલાશેઠ ઠેઠ કુવાના પાણીને અડકી ગયા. પાણીમાં પણ ઊતર્યા. ગળા સુધી પાણી થયું તોય કુવાનું તળિયું આવ્યું નહિ. તળિયું ઘણું ઊંડું હતું. દોરડાને છેડે પથ્થર લગાવ્યો હતો તે કુવાની ગોખમાં અટકી ગયો હતો. કુવો તો ઘણો ઊંડો હતો.
દલાશેઠ મુંઝાયા.
ગળા સુધી પાણી આવ્યું. પણ પગ તળિયે અડકતા નથી. વિચાર કર્યો કે, ભલે જરા ડુબકી મારું. દોરડું તો કેડે બાંધ્યું છે. આમ વિચારીને જરા વધારે ઊડે ઊતર્યા. પણ પગ તળિયે અડક્યા નહિ.
દલાશેઠ થાક્યા.
ત્યાં ભરવાડ બોલ્યો : આ તો પાતાળિયો કુવો છે. ચાર માથોડાં પાણી ઊંડું છે.
બાપ રે…. બોલીને દલાશેઠ કહે : પાછો મને ઉપર ખેંચી લો.
દલાશેઠને પાછા ઉપર ખેંચી લીધા.
સુડતાળીશ રૂપિયા ગયા અને વાસણ મળ્યું નહિ. કૂવામાં લટક્યા તે જુદું. ભારે ઉપાધી થઈ.
પાણીમાં પલળીને લથબથ થતાં દલાશેઠ બહાર નીકળ્યાં. ફુસકીમિયાંને હસવું આવી ગયું.
કપડાં નીચોવવાય રોકાયા નહિ અને ભાગ્યા.
ભટજી કહે : ઊભા રહો ! સાથે જઈએ.
પણ સાંભળે કોણ ?
દલાશેઠ ચિડાઈ ગયાને આગળ ભાગવા જ માંડ્યા.
ભરવાડ પણ રાજી થતો ચાલ્યો ગયો.
તભાભટ અને મિયાં પણ ચાલવા માંડ્યા. બિચારા દલાશેઠ કુવામાં લટક્યા અને પૈસા ગયા તે નફામાં.
લોભે લક્ષણ જાય માટે નકામો લોભ ના કરવો.